1.12 - તું આવે / સંજુ વાળા


એક વચનમાં ઓછું પડતું બહુવચન ના ફાવે,
નામ-વચન છોડીને જો બોલાવું તો તું આવે.

ક્ષણ જેવો કે રજકણ જેવો
નહીં કોઈ નિરંતર નાતો,
કોણ કહે ને કોણ સાંભળે
સંબોધન વિનાની વાતો ?
તાર મળે તે પછી તાલની સંગત રંગ જમાવે,
નામ-વચન છોડીને જો બોલાવું તો તું આવે.

અમે ધરેલી કળીઓ તમને
પહોંચે ત્યાં થઇ જાતી ફૂલ,
બસ, આ જ કારણથી રહીએ
અંદર-બહાર આકુલવ્યાકુલ.
શું કરીએ રે... ડગલે-પગલે કાનબૂટ પકડાવે,
નામ-વચન છોડીને જો બોલાવું તો તું આવે.

૦૮/૦૩/૨૦૦૫


0 comments


Leave comment