1.13 - ચકરાવો / સંજુ વાળા


તરછોડો... અપનાવો...
હા-ના કરતાં હારી બેઠા હકારનો હક્કદાવો.
પિત્તળને અડકો તો પારસ
પારસને અડકંતા થાશે શું ?
રહ્યા મૂળથી પથ્થર અમને
ચોબાજુથી ઘેરી ઊભી લૂ.
નર્યા નીતર્યા પરસેવામાં વહે ખેદ, પસ્તાવો
હા-ના કરતાં હારી બેઠા હકારનો હક્કદાવો.

જળ થીજીને થાય બરફ
એ બરફ ઓગળી થાશે પાછું જળ,
પહોળે પટ પથરાયો એ
સંબંધ જુગાન્તર જૂનો, પણ ઝાકળ,
બહુ ચડાવી ફેર રખાશે ફરતાં આ ચકરાવો,
હા-ના કરતાં હારી બેઠા હકારનો હક્કદાવો.

૧૦/૦૩/૨૦૦૫


0 comments


Leave comment