1.14 - જીવને ! / સંજુ વાળા
વ્હાલા, હીરદોરી ને અતલસનો ઝૂલો
હેતે ઝૂલાવશું હે જીવ ! હવે ખૂલો રે ખૂલો.
ચૂમી ચૂમી કાંઈ કીધો સોહામણો
કેવાં કેવાં રે લડાવ્યાં મેં લાડ !
ક્યાં સુધી અણજાણી કેદમાં તું અડવડશે ?
નીકળને તોડીફોડીને સહુ આડ !
ખંખેરી નાખ બધી અડચણ ને વળગ્યા અસૂલો,
હેતે ઝૂલાવશું હે જીવ ! હવે ખૂલો રે ખૂલો !
આટલું તો માન, સ્હેજ હોંકારો દેવામાં
ક્યાં કોઈ કાઢવાનાં લાભશુભ મૂરત
હાડોહાડ પાણાને ય કરગરીએ આવું, તો
પોતામાં પ્રગટાવે અદ્દલોદલ સૂરત.
શા કાજે આગળ ધરે છે બચાવ સાવ લૂલો ?
હેતે ઝૂલાવશું હે જીવ ! હવે ખૂલો રે ખૂલો.
૦૭/૧૧/૨૦૦૪
0 comments
Leave comment