1.15 - છાંઈ / સંજુ વાળા
હાથવેંતમાં હોય પરંતુ હાથ ન લાધે છાંઈ,
પગ તળેથી પ્રગટી પાછી પગમાં રહે સમાઈ.
તાણો તો ના તૂટે, અંગે પડે નહીં ઉઝરડા,
ઝીલે, ઝૂલે, જરજરે પણ કમળવત્ ભરડા.
સીધા સાથે સીધું ચાલે, અવળાં સહ અવળાંઈ,
હાથવેંતમાં હોય પરંતુ હાથ ન લાધે છાંઈ.
નામ-રૂપને છોડી વહેતી, આકારે આકારી,
નિરાકારની નહીં દેખાતી નિશ્ચિત બિલકુલ ન્યારી.
છાંઈ વિનાનો પદાર્થ કેવો ? કઈ એની પરખાઈ ?
હાથવેંતમાં હોય પરંતુ હાથ ન લાધે છાંઈ
૧૮/૧૦/૨૦૦૪
0 comments
Leave comment