1.16 - દાધારંગા / સંજુ વાળા
નહીં થઈએ દાધારંગા
સ્વયં-સહોદર થઈ રહેવાનું
જળમાં જેમ તરંગા...
રંગ ચડ્યો ના આંગળિયોને
રહી વાળમાં ફરતી,
મોતીચારો છોડી મનસા
ઘાસફૂશમાં ચરતી,
ત્યાં આવીને ખભે બેસતા,
રંગ.. રંગ.. પતરંગા...
નહીં થઈએ દાધારંગા
કળ-સાંકળની અરખપરખમાં
હલ્યાં હાલ શતપાંખી,
થડકે, સણકે થાતી રણઝણ
એ જ રોજની ઝાંખી.
તંગ ખેંચતાં તૂટે તરડે
પ્રીત ચગે પતંગા...
નહીં થઈએ દાધારંગા
૨૭/૦૭/૨૦૦૪
0 comments
Leave comment