1.18 - બધું બરાબર / સંજુ વાળા
બાકી બધું બરાબર
છેવટનું કોઈ સ્થળ અથવા તો –
આંખ ઠરે તે આખર.
બાકી બધું બરાબર.
ગમવાનાં કારણમાં ના કંઈ ખાસ પરિચિત નવું,
રહે જેમના તેમ તથાતથ અગર થાય જે થવું.
પાછળની સૌ પળ સાંધીને
વણે પુરાણાં આથર.
બાકી બધું બરાબર.
દેખાવે હો દ્રશ્ય અને જો સાંભળીએ તો સ્વર,
કોઈ અનુભવ એવો જેનો શરીરે ચડતો જ્વર.
નખશિખ એવાં ઘેન ચડે, જેમ
રાસ ચગ્યો હો ચાચર.
બાકી બધું બરાબર.
૨૮/૦૩/૨૦૦૪
0 comments
Leave comment