1.19 - શબરી ને મન - / સંજુ વાળા
શબરી ને મન બોર નથી કોઈ એઠાં,
તમે નજીવા કારણસર કાં મ્હોં મચકોડી બેઠા ?
વન નામે આ સાંપ્રત ફેલ્યો આસપાસ એકાંત,
ઘડીક ગોઠડી માંડો તો પણ મારે મન વેદાંત.
આંસુપાત કે હો મરકલડું, ક્યાં કોઈનાં નેઠાં !
શબરી ને મન બોર નથી કોઈ એઠાં !
ઉપરથી જે લાગે પાકું, ભીતર બિલકુલ કાચું,
ખરું શોધવાની ખાંખતમાં વહી જાય ચોમાસું.
અગનઝાળને જાણી નહીં તો શું નિંભાડે પેઠા ?
શબરી ને મન બોર નથી કોઈ એઠાં !
૨૭/૦૨/૨૦૦૪
0 comments
Leave comment