1.20 - હે પાનભાઈ ! / સંજુ વાળા
કઈ ઉંચી ડાળથી વછોડ્યાં જૂના બેસણાં હે પાનભાઈ !
કહો કિયા ઝાડનાં તે નામ રે...
કેવાં એ પ્રયાણ? કઈ દિશા? કિયા દેશના? હે પાનભાઈ !
શાને કાજે સંકેલ્યાં તમામ રે...
કોણે કિયાં વાવિયાં? ને કોણે કેવાં સીંચ્યાં અમી? કોણે કોણે પંપાળી ઉછેર્યાં?
કેટલા યુગોનાં ખમ્યાં ટાઢ અને તાપ? કહો કેટલાંક ભરડાએ ઘેર્યા ?
સંકોરતા શ્વાસવાળી ભીડમાં ય એકલા હે પાનભાઈ !
ક્યાંથી અહીં આવી ચડ્યા આમ રે...
કેમ ઉકેલાય? કઈ કળ વડે ખૂલે? કોઈ ટોચથી તે મૂળનો પ્રબંધ
ધરતીને અંગે ફૂટ્યો અહોભાવ એટલે કે ઝાડ પાન ફળ ફૂલ ગંધ
જેમ જુદાં જાણીએ ના રવાયાથી નેતરાં હે પાનભાઈ !
જાણીએ તો કોના ? કેવાં ? દામ રે...
૨૨/૦૩/૨૦૦૫
0 comments
Leave comment