2.2 - સંવાદ / સંજુ વાળા
...એવું છે ?
સમળીની જેમ રોજ માથા પર ચકરાતું મૃત્યુ પણ ગભરુ પારેવું છે
...એવું છે ?
શા કાજે જાગતાંને ઊંઘતાં યે પજવે છે કડકડતી બીક ?
શા કાજે રામનામ, માળા ને મંત્રોની સૌ લમણાઝીંક ?
શા કાજે શોધે તું જીવને ચોંટાડવાનો ગુંદર ચપટીક ?
એવામાં કોઈ વળી કહેતું કે આપણું તો ખર્ચાતી મૂડીની જેવું છે
...એવું છે ?
ઠીક છે તે છાપાંના પડિયામાં ઔષધ પીરસાય રોજ તાજું,
ઠીક છે તે આશ્વાસન દેવા દુકાનદાર બેઠા ચોબાજુ
ઠીક છે તે ભંગારમાં વેચાયાં પ્રમાણિત કાટલાં તરાજુ
એટલે કે આ સઘળું ઝાકળનાં માવઠાંથી અંતહીન ટપકતું નેવું છે
...એવું છે ?
૧૬/૦૫/૨૦૦૫
0 comments
Leave comment