2.3 - કહીએ પૃથ્વીને કૂંડું / સંજુ વાળા
માણસને વૃક્ષ જેમ મૂળ હો
તો કહીએ પૃથ્વીને કૂંડું,
તળ જેવું ક્યાં કૈં પણ હોય છે
જેને દેખાય સહેજ ઊંડું,
આદર્યા પ્રવાસ એને ક્યાં કોઈ સ્થળ માથે ભાંગ્યાં છે ભૂંગળાં
કરવો વિહાર, મળે ઝળાંહળાં મારગ કે ભોંયરાંઓ ધૂંધળાં
એક્કે ક્યાં એવો મુકામ છે
જેના પર ઊગ્યું હો ડૂંડું,
તળ જેવું ક્યાં કૈં પણ હોય છે
જેને દેખાય સહેજ ઊંડું,
કસબીની આંખ જેને સ્વીકારે એ સઘળા પથ્થર પણ કૃતિ છે,
પંડિતજી ઊંઘમાં યે બબડે તો લોક એમ સમજે કે સ્તુતિ છે.
દર્પણને દેશ જીવ આંધળો
એનાથી શું બીજું ભૂંડું,
માણસને વૃક્ષ જેમ મૂળ હો
તો કહીએ પૃથ્વીને કૂંડું.
૨૦/૦૬/૨૦૦૫
0 comments
Leave comment