2.4 - વારતાને / સંજુ વાળા


આપણી આ વારતાને આદિ ના અંત.
સંકેલો તેમથી કે આમથી ઉકેલો પણ લંબાતા એકએક તંત.

બે વત્તા બે-નો સરવાળો પાંચ, પાંચ સાચા કે સાચું ગણિત ?
એવું કોઈ પૂછે તો થઈ જાતા આપણામાં બેઠેલા ઈશ્વર ભયભીત !
કોઈ સાવ ધગધગતો લાવા કહેવાય તો કોઈ નર્યા હોઈ શકે સંત.
આપણી આ વારતાને આદિ ના અંત.

જાહેરમાં પોતાનો પડછાયો પાડવાની ફરમાવી સખ્ખત મનાઈ !
એટલે તો સૂરજને છતરીથી છાવરીને વિહરવા નીકળે છે સાંઈ !
છતરી તો એવું આકાશ જેના સળમાંથી યાતનાઓ ખૂલે અનંત.
આપણી આ વારતાને આદિ ના અંત.

૦૫/૦૮/૨૦૦૯


0 comments


Leave comment