2.6 - નિન્મસ્તર વાત / સંજુ વાળા


વાત આમ નિન્મસ્તર, સમાચારલક્ષી
સામેના ઘરનંબર સત્તરનાં અંધારે રોજ નવું ઊતરતું પક્ષી

આખ્ખી સોસાયટીને અત્તરના ફાયામાં ફેરવી દે એવા કૈં ઠાઠ,
બાજુના ફળિયામાં દેખાઈ દંપતીની આંખો થઈ રહી જાતી આઠ
શેઈમ શેઈમ બબડીને ઘરમાં પુરાઈ જતા પાડોશી ભદ્રકાન્ત બક્ષી
વાત આમ નિન્મસ્તર, સમાચારલક્ષી

પક્ષી પણ એવાં ચબરાક, બધી ઝળાંહળાં છોડીને અંધારાં તાકે,
કેમ જાણે એને સહુ જાણ હોય : કઈ ડાળે ઋતુ વિના ય ફળ પાકે.
ઉપરાન્ત સમજે, જાત કેમ છુટ્ટી મુકાય કેમ રહેવાની રક્ષી
વાત આમ નિન્મસ્તર, સમાચારલક્ષી

૨૭/૦૩/૨૦૦૫


0 comments


Leave comment