2.7 - જાદુઈ ખાનું / સંજુ વાળા

બસ, એટલું કહેવું છે કે કંઈ જ હવે ક્યાં કહેવાનું છે?
એક્કે નક્કર ક્યાં બ્હાનું છે?

પછડાટોની કળ વળે તો
કંઈક બોલવા જેવા જાગે જોગ,
ત્યાં લગ આ ગોરંભ ગળાનો
નહીં ભોગવે નવતર કોઈ ભોગ.

બાર ગાઉ ને તેર વાંસવા પથરાયું દુઃખ, પણ નાનું છે.
બસ, એટલું કહેવું છે કે કંઈ જ હવે ક્યાં કહેવાનું છે?
એક્કે નક્કર ક્યાં બ્હાનું છે?

ઝાલરીઓના રવને બદલે
હવે સાંભળું ખણખણતો સૂનકાર,
કુશળક્ષેમના તળિયે તગતગ
નવી રીતનો બેઠો બમણો માર.

અંદર ખુલ્લું, બંધ બ્હારથી જીવતર જાદુઈ ખાનું છે,
બસ, એટલું કહેવું છે કે કંઈ જ હવે ક્યાં કહેવાનું છે?
એક્કે નક્કર ક્યાં બ્હાનું છે?

૨૫/૧૧/૨૦૦૫

0 comments

Leave comment