2.9 - ઘરમાં / સંજુ વાળા


બેવડ વળીને કોઈ ખૂણામાં ઊંધમૂંધ સૂતું હો અંધારું;
ઘરમાં તો એવું પણ હોય.
તું ધારે ચકલીની લોહીઝાણ ચાંચ વિશે, કાચ વિશે હું ધારું;
ઘરમાં તો એવું પણ હોય.

મોભાદાર પહેરવેશ પહેરીને બેઠેલા દીવાનું સ્થાન હોય નક્કી,
અજવાળું ઓરડામાં આમતેમ ફર્યા કરે જાણે કોઈ વૃદ્ધા હોય જક્કી.
સૌ સૌને પોતાનાં ગીત હોય તેમ છતાં ગણગણવું સૌનું સહિયારું:

ઘરમાં તો એવું પણ હોય.
બેવડ વળીને કોઈ ખૂણામાં ઊંધમૂંધ સૂતું હો અંધારું;
ઘરમાં તો એવું પણ હોય.

ચપટીભર ઘટના ‘ને ખોબોએક સપનાં લઈ વહી જાશે પાંચસાત દાયકા,
સગપણના સરવાળા દંતકથા કહેવાશે, વાંધા પડે તો ઊડે વાયકા.
તું કહેતી સામેની બારી તે આપણું આકાશ છે, હું કહેતો વારુ:

ઘરમાં તો એવું પણ હોય.
બેવડ વળીને કોઈ ખૂણામાં ઊંધમૂંધ સૂતું હો અંધારું;
ઘરમાં તો એવું પણ હોય.

૧૮/૦૨/૧૯૯૯


0 comments


Leave comment