2.10 - આપણે / સંજુ વાળા
એક ઊંચી દીવાલ અને આપણે
ઓ બાજુ નિરાંતે ઢોળાતા છાંયડા
આ બાજુ લ્હાય લ્હાય ડંખ્યા રે સાપણે...
ટેકરીની ટોચ પરે બાંધ્યા મુકામ એમાં રોજ રોજ કારમા દુકાળ,
ટીપું હયાતીને સાચવવી કેમ, અહીં ખીણ બાજુ ખેંચે છે ઢાળ
સધિયારો આપો તો શિખર પર પહોંચીએ
પંપાળો, તો જઈને વસીએ રે પાંપણે...
એક ઊંચી દીવાલ અને આપણે
થડને વળગેલ કોઈ વેલની જેમ અમે વીંટાયા પોતાની જાતને
પાંગરવું પીમળવું ખરવું ખોવાઈ જવું અર્પણ આ લીલી ઠકરાતને
એવા ઉથાપો કે જન્માન્તર ઊખડે
થાપો, તો છેક તળિયાની થાપણે...
એક ઊંચી દીવાલ અને આપણે
૧૧/૧૦/૨૦૦૪
0 comments
Leave comment