2.11 - ક્યાંય નહીં / સંજુ વાળા


ચાલી ચાલીને અમે પહોંચ્યા ક્યાં ?
સમજોને ક્યાંય નહીં !
એવા સપડાયા કે કંઈપણ કળાય નહીં...

જાળવીને કોતર કે ભેખડ વળોટું ત્યાં
સામે હોય જંગલ કે ભીડ
ભાદરવે ઘાસ પર ફૂટેલાં ફૂલ જેમ
પ્રજવળતી રૂવે રૂવે ચીડ
સાચું પૂછો તો એના કારણમાં કાંય નહીં
તો કાં સ્હેવાય નહીં ?...

તણખાતા કોયલની જાજમ બિછાવીને
કીધું કે લે હવે ચાલ.
વરસોથી રાહ જોઈ ઉભો છું
ક્યાંય નથી ઊમટતું હારબંધ વ્હાલ
કેવું કે ઓછા-અધિરા થવાય નહીં !
તાણી લવાય નહીં...

૦૫/૦૭/૨૦૦૪


0 comments


Leave comment