2.13 - તંત કોઈ ઝાલ્યા / સંજુ વાળા
ચાલ્યા...ને...બેઠા...ને.. પિંડીએથી નિચોવ્યા
થાક, ફરી ચાલ્યા...ચાલ્યા...
ભારઝલ્લી ભીંસ લઈ ભાગ્યા... તો.. ડૂબ્યા... તો..
તંત કોઈ ઝાલ્યા...ઝાલ્યા...
દ્રશ્યોનું ઓગળવું ક્ષિતિજ કહેવાય પણ દ્રષ્ટિનો નહીં ક્યાંય છેડો.
અહીંયાં...ને ત્યાં.. માંથી નીકળીએ બ્હાર તો સૃષ્ટિનો નહીં ક્યાંય છેડો.
લીમડાની મંજરીમાં બેઠી કડવાશ અને પાકી લીંબોળીમાં ગળપણ.
આકાશી અમીરાઈ થઈને અવતરતી આ વૃષ્ટિનો નહીં ક્યાંય છેડો.
ફૂલીએ... ના..ફળીએ..ના કારણને કળીએ ના..
તોય અમે ફાલ્યા... ફાલ્યા...
ભારઝલ્લી ભીંસ લઈ ભાગ્યા... તો.. ડૂબ્યા... તો..
તંત કોઈ ઝાલ્યા...ઝાલ્યા...
રણ વચ્ચે ફૂંકાતાં રણશિંગા, ધણ વચ્ચે વાગે તે વાંસળી કબૂલ છે.
બંદૂકની ટ્રીગર પર રમતી કે ખીલડામાં ફેરવાતી આંગળી કબૂલ છે.
આસન આરૂઢ હોય ત્યાં સુધી ઊતરતી અહો..અહો.. દીવાની આરતી.
માણીગર મણઝર મૂરઝાય પછી બાકી શરીર એક કાંચળી કબૂલ છે.
છૂટી... જઈ..ખૂટી...જઈ.. વાંઝણીના પેટ જેમ
ફૂટી જઈ મ્હાલ્યા... મ્હાલ્યા...
ચાલ્યા...ને...બેઠા...ને.. પિંડીએથી નિચોવ્યા
થાક, ફરી ચાલ્યા...ચાલ્યા...
૦૩/૦૪/૨૦૦૫
0 comments
Leave comment