2.14 - સરખી સૌની રાવ / સંજુ વાળા


ન્યુજર્સીમાં આદિલજીને કેવાં કેવાં સપનાં આવે !

એક બપોરે આંખ મળી ત્યાં ભાળ્યું અમદાવાદ,
શહેર ધુમાડે ઢંકાયેલું, પથ્થરનો વરસાદ.
એક જ સૌના ચહેરે તણાવ, સૌની સરખી રાવ,
આ કાંઠે દિ’ આથમતો ઓ કાંઠે ચડતો તાવ.
ગુજરાતી છાપામાં વાંચે દાઢીધારી લાશ,
મનહર મોદી ‘હલ્લો કહે ‘ને હૈયે વળતી હાશ.
ધૂળ વતનની વ્હાલી કરતાં ચડતું મન ચકરાવે.
ન્યુજર્સીમાં આદિલજીને નિતનિત કેવાં સપનાં આવે.

સ્ટેબિંગધર્મી ધધૂપપૂઓ રે ખંજરની ખેતી,
સુક્કીભઠ્ઠ સાબરની રાતુંચટ્ટાક ભીંજે રેતી.
ફરે સ્તબ્ધતા પહેરી ઢાલગર નાકે નિજની આંખ,
એ..ચાચા,એ...ભાઈ મને દો માણસપણાંની સાખ.
આ ટોળું આ જુલૂસ આ તો એ અને આ એઓ
વચ્ચે કવિ કર જોડી ઊભા કોણ લૂછે પરસેવો?
સ્વયં જુલાહાવંશી થઈને શબદ-રવૈણી ગાવે
ન્યુજર્સીમાં આદિલજીને વિધવિધ કેવાં સપનાં આવે !

૧૬/૦૫/૨૦૦૨


0 comments


Leave comment