2.15 - તો સારું / સંજુ વાળા
હવે સમજાય કંઈક તો સારું.
જુઓને આ શહેર, અહીં સૌ
ગંગાજળથી નિત ન્હાય ને નિત પીવે છે દારૂ
હવે સમજાય કંઈક તો સારું.
રામાયણ, ગીતા ગવડાવે શોધે કેવળ બ્હાનાં
બીક નામના છત્તર નીચે જાપ જપે જીતવાના.
જલસા, ફાઈન, મઝા મઝા-ની
મલમપટ્ટીઓ તળે છુપાવે સતત દૂઝતું ઘારું
હવે સમજાય કંઈક તો સારું.
હસવું, રડવું ખાતે ખતવે હિસાબ રાખે અંકે
તાલ જોઈને તાળી દેવા દોડ લગાવે ડંકે
શહેરીજન સહવાસે રહીને
તેંય સરાસર શીખી લીધું આ મારું રે સહિયારું
હવે સમજાય કંઈક તો સારું.
૨૭/૦૪/૨૦૦૪
0 comments
Leave comment