2.16 - ખમ્મા કાળને / સંજુ વાળા
ચંદ્ર તારકો નભગંગા નક્ષત્રો લઈને નભ ખરડાયું
ખમ્મા, આભને ખમ્મા... ખમ્મા...
જળમાં જાગી જળની ઝીણી કઈ ક્રીડાથી તળ તરડાયું
ખમ્મા, પાળને ખમ્મા... ખમ્મા...
છાતી પર પછડાતા ધડૂસ કાળકરાલે
અણકથ કાળી લીલા વેરી,
મરણચીસના તણખે ઊડી રક્તઝાળથી
નીલ ક્ષિતિજો થાતી ઘેરી.
દડી, ડાળથી લીલીછમ જાગીર દડી ને થડ મરડાયું
ખમ્મા, ઝાડને ખમ્મા... ખમ્મા...
ક્યાંક ગીચોગીચ વસ્તી ઉપર પવન
ફરંગટી ખાઈ જાતને પડતી મૂકે
કડકભૂસ થઈ ખાબકતો માહોલ ક્યાંક
તો, ક્યાંક માતના થાન વસૂકે
જળ-સ્થળ માથે આકાશી પસ્તાળ પડી જનગણ ઝરડાયું
ખમ્મા, આભને ખમ્મા... ખમ્મા...
૩૧/૧૨/૨૦૦૪
0 comments
Leave comment