2.17 - વાતના વળાંક પર / સંજુ વાળા


વાતમાં ને વાતના વળાંક પર
અણધાર્યા ઊખળતા આવે કાંઈ
એક એક સણસણતી ઘટનાના થર

ફુગ્ગો ફૂટે તો એમ લાગતું કે આરપાર
ફૂટ્યો પ્રચંડ કોઈ તર્ક
ઝીલ્યો ઝિલાય નહીં સ્હેજ પણ ખોબામાં
પથ્થર ને પીડાનો ફર્ક
છાતીમાં સંઘરેલા સૂરજ સળગાવીને
કરવાનું હોય શું સરભર ?
વાતમાં ‘ને વાતના વળાંક પર.

મનને વાગેલ ઠેસ ધરબી દઈ ભીતરમાં
ઉપરથી રહેવાનું રાજી,
પાળી, પંપાળીને જીવ જેવી ક્ષણ બધી
રાખવાની છેક સુધી તાજી.
ઓગળી ના જાય એમ આછા અણસારાને
ઉછેરું અંદર ને અંદર
વાતમાં ને વાતના વળાંક પર

૩૨/૧૨/૧૯૯૩


0 comments


Leave comment