2.18 - એ...૧ / સંજુ વાળા


સાંજ સવારે છાપું જેના સમાચાર દે તાજા,
દિ’ આખો એ નાયક, સાંજે ફકકડ, રાતે રાજા.

મનમાં જેવું ઊગે એવું તરત અમલમાં લાવે,
ગોખેથી ઉતારી ગણપત ઉંબર પર પધરાવે.
પડે નામ તારું ત્યાં આખું નગર વગાડે વાજાં,
દિ’ આખો એ નાયક, સાંજે ફકકડ, રાતે રાજા.

તું નીકળે તે ગલી-શેરીઓ વાદ-વિવાદે ચડતી,
ચરણ ચાંપવાં કાજ કુંવારી કન્યાઓ કરગરતી.
સૌ ઊંચેરાં ઘરની બારી કહેતી : આ જા આ જા!
દિ’ આખો એ નાયક, સાંજે ફકકડ, રાતે રાજા.

એક દિવસ તો ધાર્યું હમણાં કંઈ જ નવું ના કરવું.
જે કોઈ સામે આવે એને સહજ ભાવથી મળવું,
હવે કદી કોઈ શયનખંડના નહીં ખખડે દરવાજા.
દિ’ આખો એ નાયક, સાંજે ફકકડ, રાતે રાજા

૨૯/૦૪/૨૦૦૪


0 comments


Leave comment