2.19 - એ...૨ / સંજુ વાળા


હું ઉતારું પ્યાદું સામે વજીર એ ઉતારે,
હોય એમની બહાર એ રાજા ના જીતે ના હારે.

ક્યારેક સફેદ ક્યારેક કાળાં મળ્યાં અડોઅડ ખાનાં,
રાતદિવસ કોઈ રમત રમાડે, કરી ઈશારા છાના,
લખચોર્યાસી ચેક આપવા સતત રહે સથવારે
હું ઉતારું પ્યાદું સામે વજીર એ ઉતારે.

માથે ભમતા ચડ્યા દાવના ભાર કરે ખિખિયાટા,
સુખ બેઠાં સંતાઈ ખૂણામાં, દુઃખ કરતા ઘુર્રાટા.
આંટીઘૂંટી વ્યૂહ, હુમલા ખાળે; ને પડકારે
હું ઉતારું પ્યાદું સામે વજીર એ ઉતારે

વાર કરે વ્યવહારે એમાં આહ! ઓહ! શું લવું?
પીઠ ધરું કે છાતી છેવટ થઈને રહેતું થવું.
આડે ધરીએ એક હાથ ત્યાં હજાર હાથે મારે.
હું ઉતારું પ્યાદું સામે વજીર એ ઉતારે

૧૮/૦૫/૨૦૦૪


0 comments


Leave comment