2.20 - માણસ / સંજુ વાળા


નામ વગરનો માણસ જોવા માણસ વળતાં ટોળે,
કવિ! તમે જ્ઞાની તે બેઠા જઈ સાચપને ખોળે.

ટોળામાંથી બૂમ ઊઠી કે આ નહીં પૃથ્વીવાસી,
નાક, કાન, મોં, માથું છે પણ કઈ એની છે રાશિ?
કાનાફૂસી, ગણગણગપછપ પ્રશ્ન વલોવે ઘોળે.
કવિ! તમે જ્ઞાની તે બેઠા જઈ સાચપને ખોળે.

એક બાબતે સંમત સૌ કે માગો વિશાળ જનમત,
નામ વગરનો માણસ યાને નર્યો તમાશો, તરકટ.
મેઈલ, ફોનના વેગે વાતી વાત ચગી ગપગોળે.
કવિ! તમે જ્ઞાની તે બેઠા જઈ સાચપને ખોળે.

ત્યાં અચાનક માણસ માથે પ્રગટ્યાં તેજવલય,
જે આવીને જુએ એના, થાય નામનો ક્ષય.
નિજનામ સાચવવા અમે ય પેઠા નિજની પોળે.
કવિ! તમે જ્ઞાની તે બેઠા જઈ સાચપને ખોળે.

૧૩/૧૦/૨૦૦૪



0 comments


Leave comment