2.21 - ધારણ ધરીએ / સંજુ વાળા


ધરીએ, થોડી ધારણ ધરીએ,
મધવ્હેણની પહેલાં થોડું કાંઠે કાંઠે તરીએ !

ઠર્યા મૂરખ તે બજાર વચ્ચે અંગત લઈને બેઠા,
એ જ ચીજ વેચાતી જેનાં નહીં નામ કે નેઠા.

ચલણ મુજબનું ચાલે એની રાવ-દાદ ક્યાં કરીએ ?
ધરીએ, થોડી ધારણ ધરીએ.

એ એનામાં હું મારામાં બન્ને એકલપેટાં,
ગમતાંની લઈ ગોત નીકળ્યાં એકબીજાંથી છેટાં.

કરી ઘુરકિયાં થાક્યાં, ચાલો હવે કરગરીએ.
ધરીએ, થોડી ધારણ ધરીએ.

૧૧/૦૮/૨૦૦૪


0 comments


Leave comment