2.24 - જળઘાત / સંજુ વાળા


પાણીને પરસેવો અથવા જળને આવ્યાં
ઝળઝળિયાંની ખબર પડે શી રીતે ?
તાણ ઘૂમરી તરફડિયાં તલસાટ તૂટામણ
ચગડોળાતું શું શું એનાં ચિત્તે ?

પડે કાંકરી ઘ્રુસાંગ, પડઘે ગિરી કંદરા ગાજે,
લયવલયમાં જળઝાંઝરિયાં ઝીણું ઝીણું લાજે.
સમથળ માથાબૂડ ભર્યા ભરપૂર ઓરડે
જળ રઘવાયું પટકે શિર પછીતે.
તાણ ઘૂમરી તરફડિયાં તલસાટ તૂટામણ
ચગડોળાતું શું શું એનાં ચિત્તે ?

જળમાથે ઝૂકેલી ડાળી લળે; જળ છળે ફરી...
એક થવાને ઝૂઝે શાપિત યક્ષ અને જળપરી.
જળઘાત લઈ જન્મેલું જળ, પળી પાવળે
વહેંચાઈ, વેચાય નજીવાં વિત્તે.
તાણ ઘૂમરી તરફડિયાં તલસાટ તૂટામણ
ચગડોળાતું શું શું એનાં ચિત્તે ?

૧૭/૦૬/૨૦૦૫


0 comments


Leave comment