1 - શુભેચ્છા ‘એક ખાલી નાવી’ને / પ્રસ્તાવના / ચન્દ્રકાન્ત શેઠ


હર્ષદ કાવ્યાબ્ધિના કાંઠે ઠીક ઠીક સમયથી સક્રિય છે તેની મને ખબર છે. તક મળ્યે આ કે તે નાવ લઈ દરિયાની નાની-મોટી ખેપો લગાવતો હશે એમ એની સર્જનાત્મક ચંચળતા જોતાં લાગે જ અને એ લાગણી ખોટી તો નથી જ. છેવટે ‘એક ખાલી નાવ'નો નાવિક તો થઈને જ રહ્યો. મને એક શુભેચ્છક મિત્ર તરીકે ‘એક ખાલી નાવ’ સાથે એને જોયા કરવાનું ગમે છે.

હર્ષદનો આ કાવ્યસંગ્રહ મને તો હર્ષદાયી થયો જ છે. એમાંથી મને કેવા હર્ષદનો પરિચય થાય છે ! –

હર્ષદ ભલે ને નીકળે દરિયો બની,
બંધ મુઠ્ઠીમાં તો મૃગજળ હોય છે.
(કાગળ હોય છે)
ત્યાં નામ ઉચ્ચારાય છે હર્ષદ અને,
હું અહીં સ્હેજે ય પડઘાતો નથી !
(‘મખમલી પડદો’)
આજ હર્ષદમાં વિરલ ઘટના ઊગી,
આમ ઊભોઊભ ને લગભગ ઝૂક્યો !
(‘ઘાવ ક્ષણનો')
આમ તો ચશ્માં ચઢાવીને ફરો,
તોય હર્ષદ આપને પણ ના મળો ?
(‘પાછાં વળો')
કેમ હું હર્ષદ કહું મુજને હવે ?
પાળિયો મારો જ ખોડી જાઉં છું.
(‘જાઉં છું' )
એટલે હર્ષદ બધે બનતી ઉતાવળ હું કરું,
શું ખબર કે કેટલા છે શ્વાસ મારા હાથમાં?
(‘મારા હાથમાં')
‘કે સાવ પીળું પાન છે હર્ષદ છતાં ખરશે નહીં.’
(‘આખા ગામમાં')

આમાંથી જે અનેક હર્ષદો પ્રગટ થાય છે તેમનો કવિતા સાથેનો સંબંધ સ્પષ્ટ છે. એ સંબંધ કેટલો સાચો છે તેનું પ્રમાણ અનેક શેરો-પંક્તિઓમાંથી મળી શકે એમ છે; જેમ કે –
કૈંક યુગોની ખરાબી સાથે હોવી જોઈએ,
તો જ આ સંબંધનું પ્હેલું કિરણ ત્રાંસું બને!
(‘સંબંધનું પહેલું કિરણ')
એટલે મઘમઘ હવે દેખાઉં છું તમને,
અબઘડી આવી રહ્યો છું કો'કમાં જઈ ને !
(‘એટલે')
છેવટે વ્હેલી સવારે વૃક્ષ આ ઊડી શક્યું,
પંખીઓએ પાંખ આખી રાત ફફડાવી હશે !
(‘નાજુક રમત')
કઈ રીતે એની તવારીખ આપવી ?
ઘાવ ક્ષણનો, જિંદગી આખી દૂઝયો.
(‘ઘાવ ક્ષણનો')
તારા સ્મરણની એક ક્ષણ ટહુકી ઊઠી અને,
ઘરની સફેદ ભીંત પર થાપો પડી ગયો.
(‘એક ખાલી નાવ')
આ અમાસી રાત થઈ ગઈ દિગ્વિજય મારો,
તેં દીધેલાં હીરની ગાંઠો ઉકેલી છે !
(‘હીરની ગાંઠો')
હજી પણ છે સંભવ કદી પાંખ ફૂટે,
ને ફફડાટ સાથે ઊડી જાય માળો !
(‘જો – તો')
આભ માફક વિસ્તર્યાનો અર્થ શું ?
એક પણ પંખીની પાંખે ના મળો.
(‘પાછાં વળો')
જુઠ્ઠા તો જુઠ્ઠા પણ ગણવાના શ્વાસ અને કરવાના સાચા હિસાબ !
(‘કાળું ગુલાબ')
શોધવા તને હું ફરું ગલીએ ગલી ને જરા અંદર જાઉં તો ગલી બંધ !
(‘શોધ')
હવે હું ક્યાં ચાલું? અવિરતપણે મારગ ધસે !
(‘સૉનેટ-૧)
હવે હું મારાથી અકળ રીત આધો જઈ રહ્યો !
(‘સૉનેટ-૩')
પર્વત ઉપર ઊંચે ને ઊંચે દોડી જતી
કેડીને જોઈ કંઈ નથી થતું તમારા પગને ?
(‘તમે')
- આ ઉદાહરણોમાંથી હર્ષદના કવિકર્મનો એની જીવન અને જગત વિશેની સમજદારીનો સ્પષ્ટ સંકેત મળે છે. મન્દાક્રાન્તા-ગઝલના એક સુભગ પ્રયોગમાં તેણે મર્મસ્પર્શી રીતે કહ્યું છે :
ધીમે ધીમે અચરજભરી રાત ઉછેરવાની,
ને મધ્યાહ્ને કણ કણ જડે, એમ મારે જવાનું.
('એમ મારે જવાનું')

અન્યત્ર કહે છે :
મારું બયાન એ રીતે કીધુ નદી સમક્ષ,
એક ખાલી નાવ સોંપી ને પાછો ફરી ગયો.
(‘એક ખાલી નાવ')
માનવમનનાં મૂળિયાંમાં રહેલી વેદનાનો સ્પર્શ આ કવિને થયો છે. જીવનની વિષમતામૂલક અને વિડંબનામૂલક પરિસ્થિતિનો આ કવિને અંદાજ છે. નિરર્થક ઊર્મિપ્રલાપોમાં આ કવિ ખાસ ખેંચાયો નથી. ‘કાગળ હોય છે’, ‘મખમલી પડદો’, ‘હવામાં-પથ્થરમાં’, ‘ભાથા મહી’, ‘આ હથેળીમાં', ‘મારા હાથમાં' જેવી ગઝલોમાં તો ‘કાળું ગુલાબ', ‘મળશું!’, ‘ઉજાગરા' જેવાં ગીતોમાં અને ‘ઘટનાઓ', ‘ગઢ', ‘તમે’ તથા ‘આખા ગામમાં’ એ છાંદસ/અછાંદસ રચનાઓમાં એવાં સ્થાનો છે જ્યાં કવિતાના તાર્કિક પ્રશ્નો, વિશદતા કે સંવાદિતાના પ્રશ્નો સંડોવાયેલા હોય. આમ છતાં આ સંગ્રહની રચનાઓમાં એવું કેટલુંક ઉપર ઉદાહરણોમાં આપ્યું છે તેવું અવશ્ય છે, જેથી હર્ષ થાય છે.

અહીં કવિની હથોટી અને શક્તિ તો ગઝલમાં જ વરતાય છે. આ સંગ્રહની ૪૯ રચનાઓમાં ૩૦ ગઝલો છે. એક બાબત સ્પષ્ટ છે કે રમેશ પારેખ, રાજેન્દ્ર શુક્લ, મનોજ ખંડેરિયા, આદિલ મનસૂરી, માધવ રામાનુજ આદિ ગઝલકારો - ગીતકારોએ જે પરંપરા સર્જી છે- તે અને લોકગીતની પરંપરા ન હોત તો સંભવ છે કે આ સંગ્રહનું આંતરબાહ્ય સ્વરૂપ કદાચ છે તેથી - જુદું હોત. સાંપ્રત ગીતગઝલની હવાના હેલારે હર્ષદની આ નાવ ચાલે છે. એ નાવે હજુ તો કાંઠો છોડ્યો છે. મઝધારના મુકાબલા એણે કરવાના છે. કામ કપરું છે, પણ આ ‘નાવના માલિક'નાં હોંશ-ઉત્સાહ-તરવરાટ જોતાં એને એવા મુકાબલા જલદીથી સાંપડો એમ શુભેચ્છા પાઠવવાનું મન થાય છે. આ ‘ખાલી નાવ’ કવિતાની છે. અહીં ‘સંબંધનું પહેલું કિરણ’, ‘એમ મારે જવાનું', ‘નાજુક રમત’, ‘મારામાંથી..’, ‘એક ખાલી નાવ', ‘હીરની ગાંઠો', જો – તો', ‘યુવાન વિધવાના વિવાહની ગઝલ-૨', ‘મારા હાથમાં' – એ રચનાઓ છે ને તેથી જ આપણે એની ‘ખાલી નાવ’ને ‘ખાલી' માની લેવાની બેઅદબી નહિ કરીએ. એની ‘ખાલી' નાવને મરજીવાનાં મોતી મળતાં જ રહો.

(પ્રથમ આવૃત્તિની પ્રસ્તાવના ૧૯૮૪)


0 comments


Leave comment