2 - પરંપરા અને અપૂર્વતાની સંધિ / પ્રસ્તાવના / એક ખાલી નાવ / રઘુવીર ચૌધરી


નથી લાગતો શ્વાસ એકે સલામત,
સતત કોઈ મારે છે અંદરથી છાપો.

કાવ્યસંગ્રહ પ્રગટ થવો એ ઘટના નવકવિ માટે એક ધન્યતાનો અવસર હોય છે. અને એ સંગ્રહ સહૃદય ભાવકો સુધી પહોંચીને બીજી આવૃત્તિરૂપે પ્રગટ થાય એવું તો અપવાદરૂપે જ બનતું હોય છે.

શ્રી હર્ષદ ત્રિવેદી અને જગદીશ વ્યાસ એમના કૉલેજકાળથી જ અદ્યતન કવિતાની ગંભીર પ્રવૃત્તિમાં સંડોવાયા હતા. ‘સંક્રમણ' નામે સામયિક ચલાવતા. ગંભીરતા ભારરૂપ ન થઈ જાય માટે તોફાનો પણ કરતા. એમ.એ. થયા પછી બંનેએ સ્વાધ્યાય માટે એક એક સમર્થ કવિ વહેંચી લીધા. જગદીશે ચંદ્રકાન્ત શેઠના માર્ગદર્શનમાં પ્રિયકાન્ત મણિયાર વિશે શોધનિબંધ રજૂ કરીને પીએચ.ડી.ની પદવી મેળવી. હર્ષદે રાજેન્દ્ર શાહનો સ્વાધ્યાય પૂરો કર્યો નથી, પણ એની અવેજીમાં નવતર કવિઓના સર્જનમાં ઊંડો રસ લીધો છે અને કવિસંમેલનોનું સંચાલન કરવાની કુનેહ પણ કેળવી છે. આ બધી સજ્જતા એના પોતાના લેખન માટે પણ ફળદાયી નીવડી છે.

‘એક ખાલી નાવ'ની સંવર્ધિત આવૃત્તિ કવિનો વિકાસ સૂચવે છે. આ વિકાસ શબ્દની કલાનો તો છે જ, પૂર્ણિમા પછી ચંદ્રની ઘટેલી કલાનો અનુભવ પણ અહીં હાજરી પુરાવે છે.

પ્રેમની શોધ એ મનુષ્યના ઉન્નયનની ચાવી છે. અને આજના સમયમાં પ્રેમતત્ત્વની વરતાતી ઊણપ એ એક વિકટ સમસ્યા છે. એમાંય ભરતી પછીની ઓટની પીડા જો અર્થસમર્પક શબ્દ સુધી પહોંચે તો ચમત્કાર સર્જે છે. એક ઘસરકાએ કવિશ્રી ચિનુ મોદીની ગઝલને સંવેદનના ઊંડાણનું પરિમાણ બક્ષ્યું એવું જ હર્ષદના દાખલામાં બન્યું છે. આ વિધાન એના અંગતતપ કે સંતાપની બાતમી આપવા માટે નથી પણ જીવનનો આ એક આહલાદક વિરોધાભાસ છે કે વેદના – અંદરથી તોડી નાખે, તોડીને કણકણ વિખેરી નાખે એવી વેદના ક્યારેક વરદાન બની જાય છે. માત્ર જે તે વ્યક્તિ માટે નહીં પણ સમષ્ટિ માટે.

વિવિધ વજનની ગઝલોમાં આ પીડાનો પ્રક્ષેપ તણખો બનીને ઝગમગી ઊઠ્યો છે.
તમે મારી અંદર હવે એવી રીતે,
સળગતું મને તાપણું યાદ આવ્યું.
પ્રેમ જોડે છે એમ તોડીને દૂર પણ ફેંકી દે છે પણ જે દૂર ફેંકાય છે એ સમગ્ર માનવજાતિ માટે એક અનુભવ મૂકી જાય છે, જે ઉદાસીન થવાનું – તટસ્થ થવાનું અને એ રીતે સ્વસ્થ થવાનું શીખવી શકે. કવિ ભાવકને શાન્ત રસનો અનુભવ સીધો નથી કરાવતો, એ માર્ગ પસંદ કરે છે બેચેનીનો.
થાય છે કે આજ હું પોતે દીવો રાણો કરું,
એમ કરવાથી ય પણ જો આ બધું આઘું ખસે.
આ બધું આઘું ખસે? શું? જે પ્રખર સહરાની તરસથી ઝંખ્યું હતું. એ હવે આઘું ખસે? અહીં તીવ્રતા છે. સાદગી પણ સૂચક છે.
એક માણસ ક્યાં સુધી ને કેટલું અંગત શ્વસે ?
કોઈ અંદરના ખૂણામાં પારકું થઈને વસે !
અંગત સૃષ્ટિ એ કંઈ નકારાત્મક વસ્તુ નથી. અને બિનંગત એ ‘અંગત'નો વિરોધી શબ્દ નથી. પણ કવિ પરાયાપણાનો ભાવ એવી રીતે વ્યક્ત કરે છે કે જાણે પોતાની નિજી મૂડીની વાત કરતો ન હોય !

યંત્રવિજ્ઞાને પ્રેમનો અનુભવ ખોયો અને સર્જકતાનો સંતોષ ગુમાવ્યો. પલાયનની વૃત્તિ જાગી, આ વૃત્તિ ક્યારેક મુક્તિનો પર્યાય બનતો લાગે. બોલચાલની ભાષાની સહજતા તાઝગી બનીને સ્પર્શી જાય છે.
પ્રથમ તો મને બ્હાર પૂરો જવા દો
જવા દો, પછીથી કરો બંધ ઝાંપો.

નથી લાગતો શ્વાસ એકે સલામત
સતત કોઈ મારે છે અંદરથી છાપો.

ઝાંપો અને છાપો તદ્દન વિરોધી અર્થસંકેત ધરાવે છે પણ રદીફ-કાફિયા કેવો ચમત્કાર સર્જે છે એનું આ દૃષ્ટાંત છે. પરંપરાગત ગઝલ વિરોધના તત્ત્વની મદદ લે છે. છાપો મારવાની ક્રિયા બહારથી થતી હોય છે પણ અહીં એ અંદરથી થાય છે અને તેથી એ વધુ જોખમકારક બને છે. આ પ્રકારના શેર સૂજ્ઞ ભાવકોને પણ મોટેથી ‘વાહ વાહ' કહેવાની ફરજ પાડતા હોય છે. ભલે ભાવ નાખુશીનો હોય.

મૃત્યુ ભયરૂપે નહીં પણ સમજણરૂપે અહીં આવે છે. એ પૌરાણિક યક્ષપ્રશ્નની પણ યાદ તાજી કરાવી જાય.
પગ તળેનું પાટિયું પળપળ સરકતું જાય છે,
કે સલામત જીવ ક્યારેય હોય છે? પ્રશ્નો ન કર.
સ્વાતંત્ર્યોત્તર કવિતાનો એક વિષય કવિતા પોતે છે. કવિતા એટલે શોકને શ્લોકમાં પરિણત કરવાની પ્રક્રિયા :
ઊપડી વંઠેલ બેકાબૂ બધી ઈચ્છા
તો ઠરીને ઠામ થઈ ગઈ શ્લોકમાં જઈને.

આ ગઝલમાં એક રમતિયાળ કલ્પન આરંભે જ મળે છે.
ચાર શેરીના નપાવટ ચોકમાં જઈને
મન ઊભું છે આજ કોની ડોકમાં જઈને ?

સંસ્કૃત વૃત્તો ગઝલમાં પ્રયોજવાની પ્રણાલી હર્ષદે પણ સ્વીકારી છે. ગીતમાં પ્રલંબ લય એવો પ્રયોજ્યો કે ડિમાઈ કદનો કાગળ પણ સાંકડો પડે. અછાંદસ કાવ્યોમાં હર્ષદે એની નોખી છટાઓ હજી સાધવાની છે. ‘એક ખાલી નાવ’ સભર છે મર્મસ્પર્શી શેરથી.
પ્રથમ દરિયાને પણ હૈયામહીં ધરબીને રાખ્યો'તો,
હવે નાનું ઝરણ છે પણ ઘણી તકલીફ લાગે છે.

દરિયો આનંદની ભરતીની ક્ષણે જે અનુભવ કરાવે એથી તદ્દન જુદો અનુભવ એક રક્તવાહિનીનો ખટકો કરાવી જાય.
હર્ષદની કાવ્યબાનીની પ્રત્યક્ષતા પરંપરા અને અપૂર્વતાની સંધિ રચે છે. કલ્પન સાંકેતિક બનીને પ્રતીકની અર્થવત્તા ધારણ કરે છે.
ગયું વૃક્ષ પરથી નથી પાછું આવ્યું
શું પંખી હવામાં ય બાંધે છે માળો ?

(બીજી સંવર્ધિત આવૃત્તિની પ્રસ્તાવના, ૧૯૯૧)


0 comments


Leave comment