3 - સાજો સઢ... / પ્રસ્તાવના / એક ખાલી નાવ / હરિકૃષ્ણ પાઠક


‘હવામાં જ જાણે પડ્યું એક બાકું
હવે કઈ તસલ્લીથી હું તીર તાકું ?'
‘કે આઠે પ્રહર મૌન અમને તથાસ્તુ !
પડ્યું જીવને શબ્દશ્રીથી જ વાંકું'
‘એક ખાલી નાવ'ના કવિ હર્ષદ ત્રિવેદીનો વિશેષ આવા શેર અને પંક્તિઓમાં પમાય છે, તો સાથોસાથ એવીય પતીજ પડે છે કે શબ્દશ્રીથી કેમ વાંકું પાડવું કે કેમ સીધું પાડવું તેય આ કવિ જાણે છે, સમજે છે.

અહીં વધારે કામ થયું છે ગઝલમાં, પણ કવિ ગઝલમાં પુરાઈ રહ્યા નથી. છંદમાં ગઝલ છે; તો ત્રણ મજાનાં સોનેટ પણ અહીં છે. ઉપર જોઈ તેવી ભાષાની તિર્યકતા પ્રયોજવા સાથે ઘરાળુ ભાષાને શિખરિણી જેવા છંદમાંયે કવિ ક્ષમતાથી પ્રયોજે છે:
‘સિતારી મૂંગી છે ઝણણ કરતી ના જરીય તે,
બધું અષ્ટંપષ્ટં સમજ પડતી ના કશીય તે;
ઘરોબાને સ્થાને અવઢવભર્યો આ અવળકો ?'

સ્મરણની મજલમાં વિરહવ્યથા અનુભવતો કવિ અહીં સળંગ ત્રણ સૉનેટમાં, ઝીણું કામ કરે છે ને આખુંયે મનોગત સૂક્ષ્મ રીતે સુપેરે નીરૂપે છે.
પ્રથમ સૉનેટના અંતે ચમત્કૃતિ સાથે સંવેદનની ભીનાશ પણ પમાય છે. તેમાં પગલાં સાથે જોડાતું ‘તગતગ' વિશેષણ કેવું કામ કરી જાય છે!
‘થતું : મારા પ્હેલાં દડમજલ આ કોણ કરતું ?’
જરા જોયું ત્યાં તો-તગતગ તમારાં જ પગલાં !’
છંદમાં ગઝલ એ હવે નવી વાત રહી નથી. પણ હર્ષદનું કામ તેની ક્ષમતાનો હિસાબ આપે છે
‘આખે આખું નગર ઊપડે એમ મારે જવાનું
ને રસ્તાને ખબર ન પડે એમ મારે જવાનું.
ઊભાં ઊભાં વિવશ નજરે દોડતાં દૃશ્ય જોઉં
ને દોડું તો ચરણ લથડે એમ મારે જવાનું.'
જોકે ‘અનુષંગ'માં જેવો છંદ સચવાયો છે તેવી માવજત કવિતાની નથી થઈ. છંદ સાથે રદીફ કાફિયા સાચવવા જતાં ને કશીક ઊફરી ભાષા પ્રયોજવા જતાં સરવાળે કૃતકતા નીપજી આવી હોય એવુંયે બન્યું છે :
‘શું ફકત હું ઘરઘરાઉ પ્રતીપતાથી
વૈષમ્યને અથ અઠંગ લઈ ફરું છું.’
આ પછીનો તરતનો શેર આશા બંધાવે છે કે કવિ થોડો જાગતો રહે તો ઉપર થયું છે તેવું નિવારી શકે તેમ છે :
‘લાગું અપર્ણ તરુ માફક આજ, તોયે
હું તો અનેક અનુષંગ લઈ ફરું છું.’

અહીં સાંગોપાંગ સારી કૃતિ અને વેધક શેરની સંખ્યાયે ઠીકઠીક મળી રહે છે.
‘એ દોસ્તો, એ દોઢી, ચલમ એ જ સાફી,
હશે આટલું યાદ બસ એ ય કાફી !'
આ ગઝલમાં સળંગ કેફ સચવાયો છે. ઉપરછલ્લી અળવીતરાઈ કે રમતિયાળપણાની ભીતર પણ કવિ કશીક ઊંડી ખણખોદ કરતો લાગે છે:
‘કૈંક ભરવા મથું કૈંક ઉલેચવા,
વ્યસ્ત છું એમ પણ હું કશું પામવા.’

‘રોજ ભીનું થાય છે નિઃશ્વાસથી
સાવ સુકુંભઠ્ઠ કંઈ આંગણ નથી.

‘એવું નથી કે ખેલ ભજવાતો નથી.
આ મખમલી પડદો જ ઊંચકાતો નથી.’

સંવેદનનું બળ એ આ કવિની મોટી મૂડી છે. સંગ્રહની પહેલી ગઝલનો એક શેર યાદ કરીએ :
‘રેતની વહેતી નદીના બેઉ કાંઠા આપણે,
તૂટતી હોડીમાં સાજો સઢ જમાપાસું બને.

કવિ પાસે સાજો સઢ છે પણ આજકાલ ભરપૂર લખાતી ગઝલોમાં જે મર્યાદાઓ પ્રવેશી ગઈ છે તેનાથી આ કવિ પણ સાવ બચી શક્યા નથી. કાફિયાની ચિંતા છોડીને માત્ર રદીફ સાચવી લેવાનું વલણ રૂઢ થતું જાય છે ને તેવાં સ્થાનો અહીં પણ છે. સહેજ સરવો કાન રાખીને નિવારી શકાયા હોત તેવા લયભંગ પણ અહીં છે :
‘તે પછી ક્યાં રહસ્ય કે છળ હોય છે?
ખોલવાની માત્ર સાંકળ હોય છે.'

‘યુગો થયા ભટકી રહ્યો ગોવાળની માફક,
કોણ જાણે ક્યાંક ધણને ખોઈ બેઠો છું.'
તો ‘રાતી ગઝલ’ જેવી કૃતિ શબ્દરમતથી આગળ વધતી નથી. ગીતરચના કવિને સહજ સાધ્ય જણાતી નથી. ક્યાંક આયાસ પણ વરતાય છે ને છતાં ‘કાળું ગુલાબ' અને ‘સામૂહિક આત્મવિલોપન વેળાએ' જેવી કૃતિઓમાં કવિનો વિશેષ અને સંવેદનનું બળ પમાય છે. ‘મળશું' પણ સાદ્યંત આસ્વાદ્ય બનેલી રચના છે. તેમાં દરેક અંતરાને છેડે આવતી પંક્તિઓમાં કવિનું જુદાપણું મળે છે :
‘પગલાંનું તો એવું –
પડશે નહિતર જડશે નહિતર ધૂળ મહીં તો ભળશું.’
‘સપનાનું તો એવું –
મળશે નહિતર ટળશે નહિતર અંદર ભડભડ બળશું’
‘ચહેરાનું તો એવું –
મલકે નહિતર છણકે નહિતર એકમેકને છળશું

અન્ય બે કૃતિઓની વાત અહીં કરી લઈએ.
‘યુવાન વિધવાના વિવાહની ગઝલ-૧’ અને ‘-૨' એક જ ભાવ ઘૂંટાયો છે ને તે છતાં તેમાં ભિન્નતા છે. એકની એક સામગ્રી અલગ તરીકાથી ખપમાં લેવાઈ છે.
પ્રથમ કૃતિમાં રદીફ સાવ ગદ્યાળું છે, ને તોય પેલો ‘સાજોસઢ'- સંવેદનનું બળ કૃતિને કવિતાના કાંઠે લઈ જાય છે :
‘પ્રથમ દરિયાને પણ હૈયા મહીં ઘરબીને રાખ્યો'તો,
હવે નાનું ઝરણ છે પણ ઘણી તકલીફ લાગે છે.'
‘હજુ ખનખન અવાજો ઓરડે પોઢ્યા નથી ત્યાં તો –
ફરીથી પ્હેરતાં કંકણ ઘણી તકલીફ લાગે છે.’

બીજી કૃતિ ગઝલને વળોટી જઈને ગીતમાં ઢળતી રચના છે, ને તેથી ગીતમાં સહજ એવો લયનો હિલ્લોળ ને દેખીતો આનંદનો ભાવ - જે અલબત્ત આભાસી છે - પ્રગટે છે; ને પેલી વેદના ભીતરમાં જઈને વધુ સ્પર્શક્ષમ, વધુ વેધક બની આવી છે :
‘બંધ હતી તે વાગી બંસી વર્ષો કેડે,
ખાલી મનના માળે સહિયર ઢોલ ઢબૂકે.’
‘ખન્ ખન્ કરતાં કંકણ છે પણ લાગે છે કે
એના અંતરિયાળે સહિયર ઢોલ ઢબૂકે.'

આવી બધી મથામણ કરતા કવિએ સંગ્રહના અંતે જે અછાંદસ અને પરંપરિત લયની કૃતિઓ આપી છે તેમાંયે થોડું કામ થયું છે. ન-જીવું જીવતો માણસ, જે નથી જીવી શકતો કે નથી મરી શકતો તેની વાત ‘તમે'માં વેધક રીતે વ્યક્ત થઈ છે, તો ‘ગઢ'માં લયનો છાક અને કેફ છે. (લયભંગનાં સ્થાનો યે ખરાં) આકર્ષણ કરે એવું ધૂંધળાપણું તેમાં છે. આ કૃતિ પોતે કરીને ભલે ઠરી-આછરી નથી પણ કવિના ચિત્તની ગ્રહણશીલતાને ભાષા સાથે કામ પાડવાની ક્ષમતાનો એક અંદાજ આપે છે. ‘ગઢ’ અને ‘સામૂહિક આત્મવિલોપન...' એ બે કાવ્યો કવિ પાસેથી આવતી કાલે મળનાર કવિતાનાં પ્રસ્થાન હોઈ શકે. કદાચ, આવું માનવાનું મન થાય છે.

એકંદરે એવું લાગે છે કે આજકાલ ગઝલ કે ગીતમાં જ પોતાની અભિવ્યક્તિ શોધતા નવકવિઓમાં હર્ષદ ઘણીબધી રીતે જુદો પડતો કવિ છે. ને તેની કવિકર્મ પ્રત્યેની સભાનતા જોતાં એવી આશા બંધાય છે કે પ્રસ્તુત સંગ્રહમાં જાગતા કવિને ન પોષાય તેવી જ કેટલીક ત્રુટીઓ રહી ગઈ છે તેનાથી કવિ પોતેય અજાણ નહીં હોય. સતત અને સાચુકલી મથામણના સુફળ અહીં મળે છે.0 comments


Leave comment