4 - ત્રીજી આવૃત્તિ વેળાએ.... / નિવેદન / એક ખાલી નાવ / હર્ષદ ત્રિવેદી


૧૯૮૪માં આ કાવ્યસંગ્રહ પ્રકટ થયો. સંશોધિત-સંવર્ધિત આવૃત્તિ ૧૯૯૧માં થઈ. ત્યારે પણ આશા નહોતી કે આની ત્રીજી આવૃત્તિ થશે ! એટલે કોઈ ગુજરાતી કવિને આ પ્રસંગે જેવો આનંદ થાય એવો જ આનંદ મને પણ થાય છે. બીજી આવૃત્તિ વેળાએ મને નબળાં લાગેલાં એવાં કેટલાંક કાવ્યો સમાવ્યાં નહોતાં અને એ ગાળામાં જે નવાં કાવ્યો થયાં હતાં એ ઉમેર્યાં હતાં, એને કારણે પ્રથમ આવૃત્તિની મુરબ્બીશ્રી ચન્દ્રકાન્ત શેઠે લખી આપેલી પ્રસ્તાવના પણ જતી કરવી પડી હતી. આજે સહેજ જુદી રીતે વિચારતાં એમ લાગે છે કે જે તે સમયે લખાયેલાં કાવ્યોનું પણ મારી સર્જન-પ્રક્રિયાના સંદર્ભે એક મૂલ્ય છે. એને કારણે સમગ્ર આલેખ મળી રહે છે, મારો મારી જાત વિશેની વિચારણાનો અને હું કવિતા સાથે કેવી રીતે કામ પાડું છું તેનો પણ ! અને તેથી આ ત્રીજી આવૃત્તિમાં એ તમામે તમામ કાવ્યો મૂળના ક્રમે હતાં ત્યાં ફરી ગોઠવી દીધાં છે અને એ જ રીતે પ્રસ્તાવના પણ !

કાવ્યસર્જનની ક્ષણોમાં જ મને જાતનો સહુથી વધુ સાક્ષાત્કાર થતો રહ્યો છે. અનેક વાર કોઈ ચમત્કારની જેમ કવિતા ઊતરી આવી છે તો કેટલીય વાર કોઈ એકાદ અમથી પંક્તિએ દિવસો લગી બીજી પંક્તિને જગા નહીં આપીને મને પીડ્યો પણ છે. ઘણીવાર તો મનમાં બધું ગોરંભાયું હોય, સંવેદનોય જાગતાં હોય પણ કોરો કાગળ મચક ન આપે ત્યારે મારી શબ્દસાધના ઊણી ઊતરતી હોય એવો અનુભવ પણ થયો છે અને ત્યારે મારામાંના કવિને ટપારવાનું કામ પણ મેં કર્યું છે. આ બધી મથામણ સમજી શકાય એવી છે ને તોય ઘણું બધું એવું હોય છે જે નથી સમજી શકાતું કે નથી સમજાવી શકાતું ! તો પણ જ્યારે જ્યારે કંઈક સારું પરિણામ આવ્યું છે ત્યારે નર્યા આનંદની જ અનુભૂતિ થઈ છે. એ આનંદયાત્રાએ જ મને આ મુકામ પર લાવી મૂક્યો છે.

મારી સર્જન-પ્રક્રિયામાં જીવંત રસ લેનાર મુરબ્બીઓ, મિત્રો અને સહુ સહૃદયોનો આભારી છું. આદરણીય કવિ શ્રી ચન્દ્રકાન્ત શેઠ, શ્રી રઘુવીર ચૌધરી, શ્રી ધીરુભાઈ પરીખ અને શ્રી હરિકૃષ્ણ પાઠકનો પ્રેમ-પ્રતિભાવ આ કાવ્યો સાથે છે એને હું મારું સદ્ભાગ્ય લેખું છું. પ્રિય રમેશ ર. દવે વચલી કડી ન બન્યા હોત તો વિશ્વવિખ્યાત તસવીરકાર શ્રી અશ્વિનભાઈના ખજાનામાંથી આવરણ માટેની પારદર્શી ન મળી હોત ! બંનેનું ઋણ સ્વીકારું છું.

આજે કોઈ પણ પ્રકાશક કવિતાનું પુસ્તક છાપવાનો વિચાર કરતાં બે ઘડી રોકાય છે ત્યારે સ્નેહી શ્રી ભગતભાઈ શેઠે આ કામ રાજી થઈને માથે લીધું એ માટે એમનો આભારી છું. શ્રી ચન્દ્રકાન્ત ભટ્ટ તથા ચંદ્રિકા પ્રિન્ટરીના શ્રી રાકેશભાઈ તથા રૂપલ દેસાઈનો આભાર માનીશ તો કદાચ એમને નહીં ગમે.

- હર્ષદ ત્રિવેદી0 comments


Leave comment