1.1 - પ્રશ્નો ન કર / હર્ષદ ત્રિવેદી


કોણ કોનાથી વધારે હોય છે ? પ્રશ્નો ન કર,
એક પલ્લું રોજ ભારે હોય છે, પ્રશ્નો ન કર.

પગ તળેનું પાટિયું પળપળ સરકતું જાય છે,
કે સલામત જીવ ક્યારે હોય છે ? પ્રશ્નો ન કર.

સ્હેજ ઉકલે ત્યાં ફરી પાછું બધું ગૂંચવાય છે,
આ રમત કોના ઇશારે હોય છે ? પ્રશ્નો ન કર.

રાત આખી સાદડી વણવામાં વીતી જાય પણ –
તાર છૂટ્ટા કાં સવારે હોય છે ? પ્રશ્નો ન કર.

તું ઝડપથી આપ કોઈ શાપ જેથી ઓગળું
માગવાનું કેમ મારે હોય છે ? પ્રશ્નો ન કર.


0 comments


Leave comment