1.2 - બળાપો / હર્ષદ ત્રિવેદી
વ્યથા માત્ર મારી ને મારો બળાપો,
સરોવર તમારું તમારો તરાપો.
ત્વચા મેં તો દીધી ઊતરડીને તમને,
ગમે ત્યાંથી સીવો ગમે ત્યાંથી કાપો.
પ્રથમ તો મને બ્હાર પૂરો જવા દો,
જવા દો, પછીથી કરો બંધ ઝાંપો.
નથી લાગતો શ્વાસ એકે સલામત,
સતત કોઈ મારે છે અંદરથી છાપો.
હવે સુખ પણ ઘાસની ગંજી જેવું,
તમે દોસ્ત છો તો પલિતો જ ચાંપો.
જૂનાં વસ્ત્ર શાં છે સ્મરણ માત્ર બાકી,
ગમે ત્યારે આવી શકે કોઈ ખાંપો !
0 comments
Leave comment