1.3 - ચકમક ઘસે ! / હર્ષદ ત્રિવેદી


એક માણસ ક્યાં સુધી ને કેટલું શ્વસે ?
કોઈ અંદરનાં ખૂણામાં પારકું થઈને વસે !

સાવ લીલા કાચ જેવું મન હવે ભટક્યા કરે,
ઝેર નહીં તો બીજું કૈં વ્યાપી ગયું છે નસનસે.

બીવરાવે છે સતત કરવત લઈને કોણ આ ?
હોય પગ તો ઊપડે પણ ઝાડ કઈ રીતે ખસે ?

આપણામાં આપણે પોતે જ વડવાનલસમાં –
ને ઉપરથી પ્રિયજન જે રાત-દિ’ ચકમક ઘસે !

માત્ર ઉપર આભ છે ને આભનો છે છાંયડો,
એટલામાં તીર માફક સૂર્ય આ સનનન્ ધસે ...

થાય છે કે આજ હું પોતે દીવો રાણો કરું,
એમ કરવાથી ય પણ જો આ બધું આઘું ખસે.


0 comments


Leave comment