1.4 - ઝાંઝવાં પ્રિયે ! / હર્ષદ ત્રિવેદી


તારી ઉદાસી સાંજને શણગારવા પ્રિયે,
લે મોકલું, મઘમઘ તને સપનાં નવાં પ્રિયે.

પ્હેલાં તો આંખો બંધ કર... ઉઘાડ લે હવે,
ઝગમગ થતી દેખાય છે ખુલ્લી હવા પ્રિયે?

એકાદ અમથું ફૂલ તું ધારી લે મન મહીં,
બાકી બધું થનગન થવાનું મ્હેકવા પ્રિયે !

આ ચાંદનીનાં વસ્ત્ર છે તે શોભશે તને,
કેવી રીતે તારા લગી પહોંચાડવાં પ્રિયે ?

કે તું જ આવી જા પવનની પાલખી લઈ,
દેખાડશે રસ્તો અહીંનાં ઝાંઝવાં પ્રિયે !


0 comments


Leave comment