1.5 - આવી ઊભી ! / હર્ષદ ત્રિવેદી


હું નીકળવા જાઉં એવા ટાંકણે આવી ઊભી,
કે નદી જેવી નદી ઘરઆંગણે આવી ઊભી.

શું કરું ? માથે ચઢાવું ? નાહી લઉં કે ઓગળું ?
સ્તબ્ધ હું ઊભો જ છું એ બારણે આવી ઊભી.

ને જુઓ પ્રાગટ્ય એનું મધ્યરણથી નીસરી,
શી ખબર ખેંચાઈ કેવા તાંતણે આવી ઊભી !

સ્હેજ ખળખળ, ખૂબ ધસમસ ને પછી કૈં ભાન ક્યાં?
જીવમાં અજવાસની કોઈ ક્ષણે આવી ઊભી.

આજનો નખશિખ ઉત્સવ આંખ ભીંજાવી ગયો,
લઈ છલોછલ એક છાલક પાંપણે આવી ઊભી.

થાય છે આ સ્વપ્ન અમથું સ્વપ્ન તો નૈં હોય ને ?
જાત પાછી અવઢવોના પારણે આવી ઊભી.


0 comments


Leave comment