1.7 - યાદ આવ્યું / હર્ષદ ત્રિવેદીઅચાનક અમસ્થું ઘણું યાદ આવ્યું,
જે નહોતું કદી આપણું, યાદ આવ્યું.

પ્રથમ તો તમારું જવું યાદ આવ્યું,
પછીથી વિવશ આંગણું યાદ આવ્યું.

નગર, શેરી ને ઘર તો ભૂલી ગયો છું
પછી કેમ એ બારણું યાદ આવ્યું ?

બધું ભૂલવાનો સમય આવી પહોંચ્યો,
એ વખતે હજારોગણું યાદ આવ્યું.

તમે મારી અંદર હવે એવી રીતે,
સળગતું મને તાપણું યાદ આવ્યું.

ચહેરો હવામાં ગયો ઓગળી પણ
જે તરતું રહ્યું છૂંદણું, યાદ આવ્યું.


0 comments


Leave comment