1.8 - લાગે છે / હર્ષદ ત્રિવેદી


લાગે છે ચારેકોર ખારોપાટ લાગે છે,
આ શ્વાસ એકેએક મોંઘોદાટ લાગે છે.

જે અજવાસ આંજી આંખમાં ચાલ્યું ગયું કોઈ,
દિવસે ય અંધારી ને વસમી વાટ લાગે છે.

લોઢાની માફક લાલ થાવું : ને કશું જ નહીં,
લે તું જ કહે : કેવો થયેલો ઘાટ લાગે છે ?

ઊંડે સુધી ફરતું રહે છે શારડી જેવું,
એની મજા તો ગઈ.... હવે ગભરાટ લાગે છે.

હોઠોની સામે આ રહ્યો સુગંધનો ઢગલો,
આંખોની સામે એને પાછો કાટ લાગે છે.


0 comments


Leave comment