1.10 - નીકળે / હર્ષદ ત્રિવેદી


ચોતરફ જલસા જ જલસા હોય બસ એવી પળે,
તું ધરી ઘૂંઘટ ઉદાસીનો બજારે નીકળે.

રાત આખી રાહ જોયા બાદ ઊંઘે શેરીઓ,
ઝાંઝરીઓ એ પછી વ્હેલી સવારે નીકળે.

એક દરિયો આગ ખીચોખીચમાં ડૂબી ગયો,
નીકળે તો નીકળે, સામે કિનારે નીકળે.

માત્ર સપનું શ્વાસમાં લીધું હતું પણ થાય છે –
સાવ હળવી ચીજ પણ ક્યારેક ભારે નીકળે !

હોત જો હોડી, હલેસું, ખારવો તો કૈં થતે,
કોઈ પરપોટો વળી કોના મદારે નીકળે ?

ઓરડે આખ્ખું ય તે આકાશ જ્યારે ઝળહળે,
તું ધરી ઘૂંઘટ ઉદાસીનો બજારે નીકળે.


0 comments


Leave comment