1.11 - નીકળું / હર્ષદ ત્રિવેદી
આ પડ્યો વરસાદ તો વરસાદમાંથી નીકળું,
તેં કદી પાડ્યો હતો એ સાદમાંથી નીકળું.
થાય છે નીકળું, સભર ઉન્માદમાંથી નીકળું,
ઓગળું આશ્લેષમાં, આહલાદમાંથી નીકળું.
પળ-વિપળ વિરમું અરવ જેવા અતલ ઊંડાણમાં,
ને ગહિર-ગંભીર અનહદ નાદમાંથી નીકળું.
મન મિજાજી છે ભરોસો થાય પણ કેવી રીતે?
હું ‘અહોહો'માં ડૂબું, ‘અવસાદ’ માંથી નીકળું !
શબ્દની યે પાર નીકળી જાઉં છું ક્યારેક તો,
પણ વળી પાછો ગઝલની દાદમાંથી નીકળું.
0 comments
Leave comment