1.12 - ઘેરી લીધો છે મને / હર્ષદ ત્રિવેદી


કોણ જાણે કોના વાંકે ઘેરી લીધો છે મને,
મેં જ તો શેરીના નાકે ઘેરી લીધો છે મને.

સાવ સીધા મારગે ચાલું હમેશાં તે છતાં,
કોઈ અલબેલા વળાંકે ઘેરી લીધો છે મને.

આ બધું એકાન્ત ક્યારે મારું પોતાનું થશે ?
ભીડના ભરપૂર થાકે ઘેરી લીધો છે મને.

રોજ એનું એ, ફરીથી રોજ એનું એ બને,
રાત દહાડો ગોળ ચાકે ઘેરી લીધો છે મને.

આજ ભાગી છૂટવું તોડીને આ શેરીપણું,
એક વણફૂટ્યા ધડાકે ઘેરી લીધો છે મને.


0 comments


Leave comment