1.13 - વ્હાણ છે / હર્ષદ ત્રિવેદી


રેતમાં ચાલ્યા કરે છે એ જ બસ મોંકાણ છે,*
આપણી ઇચ્છાનું બાકી તો રૂપાળું વ્હાણ છે.

સ્હેજ ઊઘડી વાત મનમાં ફૂલ શી બસ ત્યારથી,
જીવના સાતે ય કોઠામાં ગજબ ઘમસાણ છે.

વૃક્ષ રોકે છે જરા ત્યાં આ પવન લઈ જાય છે,
કંઈ ખબર પડતી નથી આ કેવી ખેંચતાણ છે !

શું બન્યું ગઈ કાલ મારી આ ઉઘાડી આંખમાં ?
સ્વપ્ન સોનાનાં હતાં એ આજ લોહીઝાણ છે.

ગામ લથબથતું હશે આખ્ખું ય તે સુગંધથી,
આવ તારા આગમનની હર ગલીને જાણ છે !

* કવિ મિત્ર મહેશ યાજ્ઞિકનું સ્મરણ


0 comments


Leave comment