1.15 - ભારે કરી / હર્ષદ ત્રિવેદી


એક પળમાં આટલી લીલા કરી ભારે કરી,
પ્હાડથી કેડી ઊતરડી લઈને તેં ભારે કરી !

ફૂલસોંતી ડાળ તારા હાથમાં શોભી શકત,
ફૂલથી ફોરમને તેં અળગી કરી ભારે કરી.

ટોચની ભીની હવા અકબંધ મળવાની હતી,
પણ બધા રસ્તાએ આલિંગન કરી ભારે કરી.

સ્હેજ અમથું ઝાંઝરી જેવું કશું રણક્યું હતું,
એનો તેં રણકાર આંખોમાં ભરી ભારે કરી.

આજ આડેધડ ચડું છું પ્હાડ પર તો થાય છે –
પહાડની કેડી ઊતરડી લઈને તે ભારે કરી !


0 comments


Leave comment