1.17 - ભૂલી ન જા / હર્ષદ ત્રિવેદી


એક વેળા તેં મને ચાહ્યો હતો એ વાતને ભૂલી ન જા,
આપણે પર્વતને પણ તોડ્યો હતો એ વાતને ભૂલી ન જા.

તે જ તો આકાશ ફાડ્યું, તું જ ચમકી, ઝરમરી, વરસી પડી;
હું જ એ વરસાદમાં નાહ્યો હતો એ વાતને ભૂલી ન જા.

તું હલેસાં શ્વાસમાં લઈ નીકળી'તી કેટલા ઉત્સાહથી,
ને મને દરિયો ગણી ખેડ્યો હતો એ વાતને ભૂલી ન જા.

તેં ભલે ને સાવ અમથો માર્ગ બદલાવ્યો હશે, તો પણ અહીં –
એક આખો કાફલો તૂટ્યો હતો એ વાતને ભૂલી ન જા.

એક ક્ષણમાં આ બધું ભૂલી જશે તો છું તને અધિકાર, પણ
એક વેળા તેં મને ચાહ્યો હતો એ વાતને ભૂલી ન જા.


0 comments


Leave comment