1.18 - સંબંધનું પહેલું કિરણ / હર્ષદ ત્રિવેદી


શક્ય છે કે એક દરિયો પણ અહીં આંસુ બને,
કોઈનો કાગળ અહીં વરસે ને ચોમાસું બને.

ધારશે તો નીરનો રેલો ય તે રસ્તો થશે,
તું ભલામણ કર ચરણને સ્હેજ આયાસુ બને.

ગઈ ક્ષણોની સાવ સુકી વાવની ભીનપ વિશે,
કોણ મારાથી અજાણ્યું રહીને જિજ્ઞાસુ બને ?

કૈંક યુગોની ખરાબી સાથ હોવી જોઈએ,
તો જ આ સંબંધનું પહેલું કિરણ ત્રાંસું બને !

રેતની વ્હેતી નદીના બેઉ કાંઠા આપણે,
તૂટતી હોડીમાં, સાજો શઢ જમાપાસું બને.

લાગણી પણ હોય પેપરવેટ નીચે બંધ, ને
હોય થંભેલો સમય ત્યાં કોણ વિશ્વાસુ બને ?


0 comments


Leave comment