1.20 - એટલે / હર્ષદ ત્રિવેદી


ચાર શેરીના નપાવટ ચોકમાં જઈને,
મન ઊભું છે આજ કોની ડોકમાં જઈને?

ગામમાં સુક્કી નજરનો ઓગળે સૂરજ,
એ ફરી પામે અસલિયત ઝોકમાં જઈને.

ભરબપોરે સ્વપ્નમાં મેં વૃક્ષ જોયાની,
કોણ પૂછાપૂછ કરતું લોકમાં જઈને ?

એટલે મઘમઘ હવે દેખાઉં છું તમને,
અબઘડી આવી રહ્યો છું કો'કમાં જઈને !

ક્યાંક હર્ષાવેશની પીધી હશે પ્યાલી,
એટલે રહું છું ચકાચક શોકમાં જઈને.

ઊપડી વંઠેલ બેકાબૂ બધી ઈચ્છા
તો ઠરીને ઠામ થઈ ગઈ શ્લોકમાં જઈને.


0 comments


Leave comment