1.23 - હવામાં જ / હર્ષદ ત્રિવેદી
હવામાં જ જાણે પડ્યું એક બાકું,
હવે કઈ તસલ્લીથી હું તીર તાકું ?
નથી લાગણી સોંસરું જઈ શકાતું,
સ્મરણ ત્યાં નડે સોયનું થઈને નાકું.
છે ચકચૂર ચરણો સતત દોડવામાં,
ક્ષણિક થાકું તે પણ કહો કેમ થાકું ?
પરાભવ સખત ને લગાતાર મળશે,
ભુલાયેલ કેડી તરફ જો વળાંકું.
અસંભવ બચે કોઈ નખશિખ અહીયાં,
સમયનું ક્ષણેક્ષણ ફરે તીક્ષ્ણ ચાકું.
કે આઠે પ્રહર મૌન અમને તથાસ્તુ !
પડ્યું જીવને શબ્દશ્રીથી જ વાંકું.
0 comments
Leave comment