1.24 - મારામાંથી.. / હર્ષદ ત્રિવેદી


મારી આંખોનાં હરણને ખોઈ બેઠો છું,
જીવવાની એક ક્ષણને ખોઈ બેઠો છું.

યુગો થયા ભટકી રહ્યો ગોવાળની માફક,
કોણ જાણે ક્યાંક ધણને ખોઈ બેઠો છું.

કોઈનાં પગલાં તણાતાં જળ મહીં જોયાં,
ત્યારથી મારાં ચરણને ખોઈ બેઠો છું.

વૃક્ષને ખુલ્લી હવા વળગે, તો લાગે છે
મારામાંથી એક જણને ખોઈ બેઠો છું.

તારું ઝળહળવું જ જાણે શ્વાસ છે મારો,
હું તો બહુ પહેલાં કિરણને ખોઈ બેઠો છું.

રેતની શીશીની માફક ખૂટવાનું છે,
ને માનવાનું કે મરણને ખોઈ બેઠો છું.


0 comments


Leave comment