1.28 - એક ખાલી નાવ / હર્ષદ ત્રિવેદી

મારો સમય તમારી પ્રતીક્ષા બની ગયો,
હું તો હજી ઊભો જ છું રસ્તો વહી ગયો.

એથી તો મારા લોહીમાં લીલી વ્યથા વહે,
ગુલમ્હોરને હું આંસુની સાથે જ પી ગયો !

તારાં સ્મરણની એક ક્ષણ ટહુકી ઊઠી અને –
ઘરની સફેદ ભીંત પર થાપો પડી ગયો.

મારું બયાન એ રીતે કીધું નદી સમક્ષ,
એક ખાલી નાવ સોંપી ને પાછો ફરી ગયો.

અગ્નિપરીક્ષામાંથી તો થઈ ગઈ પસાર પણ,
આ મારી લાગણીને ધુમાડો નડી ગયો.


0 comments


Leave comment