1.29 - હીરની ગાંઠો / હર્ષદ ત્રિવેદી


વાત જૂની છે ને એની એ ઉખેળી છે,
મેં નદીને પ્હાડમાં પાછી ધકેલી છે.

તારી બલિહારી કે હું બરછટ થયો, નહીંતર
જાત તો વરસાદમાં પલળી રહેલી છે !

આ અમાસી રાત થઈ ગઈ દિગ્વિજય મારો,
તેં દીધેલાં હીરની ગાંઠો ઉકેલી છે !

એ અલગ છે વાત કે વંકાઈને ચાલ્યો,
પણ, નજાકત ઠેકઠેકાણે નડેલી છે.

માફ કરજે : તેં દીધું આકાશ એમાંથી;
વાદળી એક આજ તો વરસી ગયેલી છે.

હાથ બંને ઘોર એકલતા બની ચૂક્યા,
બસ હથેળીમાં હવે તો બસ હથેળી છે.


0 comments


Leave comment