1.30 - કશું પામવા / હર્ષદ ત્રિવેદી


કૈંક ભરવા મથું કૈંક ઉલેચવા,
વ્યસ્ત છું એમ પણ હું કશું પામવા.

જો હું ઊભો જ છું સ્તંભવત્ સ્થિર તો,
કોણ ચાલ્યું ગયું સકળને ભેટવા ?

એક ક્ષણ સાંપડે તો સમર્થા બને,
અંગુલિઓ બધી સ્પર્શ ઉચ્ચારવા.

ઘૂઘવે દૃશ્યનાં પૂર જો પુનઃ તો,
સદ્ય પધરાવશું નેત્રને બૂડવા !

હીંચકો ત્યાગ આ કેલિઓનો હવે,
ચાલ કૈવલ્યના બાંકડે બેસવા.

છેવટે આંધળી દોટ મૂકું અને –
જ્યોત છેટી રહે હાથ બે હાથવા.


0 comments


Leave comment